રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એકતાનગરના બોન્સાઇ ગાર્ડનની મુલાકાત લીધી, પ્રાચીન વામન વૃક્ષ કળા વિશે મેળવી જાણકારી
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં સહભાગી થવા પધારેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વામન વૃક્ષ વાટિકા (બોન્સાઇ ગાર્ડન)ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભારતની પ્રાચીન વામન વૃક્ષ કળા અને તેની પરંપરા વિશે જાણકારી મેળવી હતી. મહિલા સ્વસહાય જૂથનાં શારદાબેન તડવીએ બોન્સાઇ બનાવવાની કળાનું જીવંત નિદર્શન કર્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એકતાનગરના બોન્સાઇ ગાર્ડનની મુલાકાત લીધી
ભારતની પ્રાચીન વામન વૃક્ષ કળા અને પરંપરા વિશે મેળવી જાણકારી; મહિલા સ્વસહાય જૂથનાં શારદાબેન તડવીએ બોન્સાઇ નિર્માણનું જીવંત નિદર્શન કર્યું
એકતાનગર, મંગળવાર: એકતાનગર ખાતે આયોજિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં સહભાગી થવા પધારેલા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે એકતાનગર સ્થિત વામન વૃક્ષ વાટિકા (બોન્સાઇ ગાર્ડન)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીને ભારતની પ્રાચીન વામન વૃક્ષ કળા, તેના ઇતિહાસ અને પરંપરા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ વામન વૃક્ષ વાટિકાના વિવિધ છ વિભાગોની મુલાકાત લીધી હતી. વાટિકાનાં ગાઇડ સુશ્રી રેશમા ઘોરીએ તેમને વામન વૃક્ષ કળાના ઇતિહાસ અને તેના વિકાસ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વામન વૃક્ષની આ પ્રાચીન કળા ભારતમાંથી ચીન અને ત્યારબાદ જાપાન સુધી પહોંચી હતી, જ્યાં તે ‘બોન્સાઇ’ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત બની હતી.
વાટિકામાં ઉછેરવામાં આવેલા વિવિધ વૃક્ષો અને છોડની વિશેષતાઓ અંગે પણ રાજ્યપાલશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સમગ્ર વાટિકામાં આકર્ષણનું કેન્દ્ર બનેલા કૃષ્ણકમલ (Passion Flower) વિશે પણ તેમને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.
વામન વૃક્ષ વાટિકાના મહત્વપૂર્ણ વિભાગ ‘મેક યોર ઓન બોન્સાઇ’ ખાતે સ્થાનિક મહિલા સ્વસહાય જૂથનાં શ્રીમતી શારદાબેન તડવીએ રાજ્યપાલશ્રી સમક્ષ બોન્સાઇ બનાવવાની કળાનું જીવંત નિદર્શન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ તેમની પાસેથી બોન્સાઇના નિર્માણની વિવિધ પ્રક્રિયાઓ, વૃક્ષની પસંદગી, તેને આકાર આપવાની પદ્ધતિ તેમજ તેની યોગ્ય જાળવણી અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ભારતની પ્રાચીન કળા, પ્રકૃતિ અને પરંપરાના સુંદર સમન્વયને નજીકથી નિહાળ્યો હતો.
રાજ્યપાલશ્રીની આ મુલાકાત વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વન સંરક્ષકશ્રી પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, અધિક્ષક ઇજનેરશ્રી અંકિત ગુપ્તા તથા કાર્યપાલક ઇજનેરશ્રી આશિષ બહુગુણા ઉપસ્થિત રહ્યા હતા.

