ચીટિંગ, વ્યાજખોરી અને અંધશ્રદ્ધાનો ભોગ બનેલા નાગરિકોને મોટી રાહત: આણંદ પોલીસે ફ્લેટ, જમીનના દસ્તાવેજો અને સોનું-રોકડ પરત અપાવ્યા
ગાંધીનગર ખાતે આયોજિત 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે છેતરપિંડી, વ્યાજખોરી અને અંધશ્રદ્ધાનો ભોગ બનેલા આણંદના પીડિતોને કરોડો રૂપિયાની મિલકતો અને રોકડ સન્માનપૂર્વક પરત સોંપવામાં આવી હતી. આણંદ પોલીસની સમયસૂચક અને કડક કાર્યવાહીના પરિણામે અરજદારોને રૂ. ૨૬ લાખનો ફ્લેટ, રૂ. ૩૭ લાખથી વધુની રોકડ-ચેક, ૭ વીઘા જમીન, મકાન-દુકાનના અસલ દસ્તાવેજો તથા ૮ તોલા સોનું અને ૪૦૦ ગ્રામ ચાંદી પરત મળ્યા છે.

તેરા તુજકો અર્પણ' પહેલ: આણંદ પોલીસની પ્રજાલક્ષી કામગીરીથી પીડિતોના ચહેરા પર ખુશી પરત ફરી; કરોડોનો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપાયો
ગાંધીનગર / આણંદ:
સામાન્ય નાગરિકોના જાન-માલની સુરક્ષા અને છેતરપિંડી કે વ્યાજખોરીનો ભોગ બનેલા લોકોને ત્વરિત ન્યાય અપાવવા માટે આણંદ જિલ્લા પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે અરજદારોને તેઓની ગયેલી મિલકતો, રોકડ અને મહત્વના દસ્તાવેજો સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કુલ રૂ. ૨૬ લાખની કિંમતનો ૧ ફ્લેટ, રૂ. ૩૭ લાખથી વધુની કિંમતના રોકડ નાણાં તથા ચેક, ૭ વીઘા ખેતીની જમીન, રહેણાંક-હોટલના અસલ દસ્તાવેજો તેમજ ૮ તોલા સોનું અને ૪૦૦ ગ્રામ ચાંદી સહિતનો મુદ્દામાલ પીડિતોને સુપ્રત કરાયો હતો.
પોલીસે ઉકેલેલા મુખ્ય ૬ કિસ્સાઓ:
ધંધાના નામે છેતરાયેલા યુવકને ૨૬ લાખનો ફ્લેટ પરત અપાવ્યો:
મોરબી મૂળના અને હાલ બેડવા રહેતા વિજયભાઈ ભરડા સાથે ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધાના બહાને રૂ. ૨૬ લાખની છેતરપિંડી કરી વિદ્યાનગરમાં ફ્લેટ ખરીદી આરોપી કલ્પેશ જાની ફરાર થઈ ગયો હતો. પેરોલ-ફર્લો સ્કોડના પી.આઈ. જે.એન. પરમાર અને ટીમે આરોપીને ઝડપી પાડી ૨૬ લાખનો ફ્લેટ મૂળ માલિકને પરત અપાવ્યો હતો.
વિધવા બહેનને ઉછીના નાણાં પરત મળ્યા:
વિદ્યાનગરના સ્વ. પોલીસ ઇન્સ્પેક્ટરના વિધવા પત્ની પારૂલબેન પંડ્યા પાસેથી હાથ ઉછીના લીધેલા રૂ. ૮ લાખ શ્રવણ પટેલ પરત આપતો ન હતો. પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરી રોકડા રૂ. ૪ લાખ અને રૂ. ૩ લાખના ચેક પરત અપાવ્યા હતા.અંધશ્રદ્ધામાં ગયેલા સોના-ચાંદીના દાગીના રિકવર કર્યા:
જીટોડીયાના ગીતાબેન પાંડવને નારાયણબલી અને પિતૃદોષની વિધિના નામે ફસાવી આરોપી આતીષ ત્રિવેદી અને તેના પરિવારે આશરે ૫૬ તોલા સોના-ચાંદીના ઘરેણાં પડાવી લીધા હતા. પોલીસે કાઉન્સિલિંગ કરી ૮ તોલા સોનું અને ૪૦૦ ગ્રામ ચાંદી તુરંત પરત અપાવ્યા તેમજ બાકીના દાગીના માટે નોટરી સમક્ષ બાંહેધરી લેવડાવી હતી.
આત્મહત્યા કરવા જતા યુવકનો જીવ બચાવી ૭ વીઘા જમીન બચાવી:
તારાપુરના ધવલકુમાર પટેલ વ્યાજખોર સંજય ભરવાડના ત્રાસથી કેનાલમાં આત્મહત્યા કરવા જતા હતા. પોલીસે સમયસૂચકતા દાખવી તેમનો જીવ બચાવ્યો, કાઉન્સિલિંગ કર્યું અને ૭ વીઘા ખેતીની જમીનનો ગીરો બાનાખત દસ્તાવેજ, રૂ. ૨ લાખનો ચેક તેમજ ૭ સહી કરેલા કોરા ચેક પરત અપાવ્યા હતા. સાથે જ અન્ય ગેરકાયદે વ્યાજખોર મોહંમદસોહેલ વ્હોરા સામે કડક ગુનો નોંધાયો હતો.
ઘર અને હોટલના દસ્તાવેજો તથા રૂ. ૨૮.૫૦ લાખના ચેક પરત:
તારાપુરના રાકેશભાઈ પટેલે કરેલી રજૂઆત બાદ પોલીસે કાર્યવાહી કરી ઘરનો અસલ દસ્તાવેજ, હોટલનો ગીરો ખત દસ્તાવેજ તેમજ જુદા જુદા લોકો પાસેથી કુલ રૂ. ૨૮.૫૦ લાખની કિંમતના ૯ ચેકો અરજદારને પરત અપાવ્યા હતા.
અન્ય એક વિધવા મહિલાને આર્થિક ન્યાય અપાવ્યો:
તારાપુરની શિવશક્તિ સોસાયટીના વિધવા પારૂલબેન પટેલના સદગત પતિએ આપેલા ઉછીના નાણાં પરત ન મળતા પોલીસે હિતેશ પટેલ પાસેથી રૂ. ૧.૫૦ લાખ રોકડા તુરંત પરત અપાવી બાકીની રકમની પતાવટ કરાવી મોટી રાહત આપી હતી.
"ગુજરાત પોલીસ નાગરિકોના જાન-માલની સુરક્ષા માટે કટિબદ્ધ"
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આણંદ પોલીસની પ્રજાલક્ષી અને સંવેદનશીલ કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકો સાથે થતા અન્યાય, ચીટિંગ કે વ્યાજખોરી સામે ગુજરાત પોલીસ સદા તત્પર અને કડક છે. પોતાની મહેનતની કમાણી અને મિલકતો પાછી મળતા તમામ અરજદારોએ રાજ્ય સરકાર અને આણંદ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.




