વિદેશ જવાના નામે લાખોની છેતરપિંડીફોર્ચ્યુન ઇન્ટરનેશનલ'ના સંચાલક વૈભવ શિંદે સામે નવરંગપુરામાં ગુનો દાખલ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં લૉ ગાર્ડન પાસે આવેલી ‘ફોર્ચ્યુન ઇન્ટરનેશનલ’ નામની વિઝા કન્સલ્ટન્સીના સંચાલક વૈભવ શિંદે સામે વિદેશ જવા ઇચ્છુક ત્રણ વ્યક્તિઓ પાસેથી કુલ ₹૧૨,૨૫,૦૦૦ મેળવી વિઝા કે વર્ક પરમિટ ન આપી છેતરપિંડી આચરવા બદલ નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે

અમદાવાદ:
વિદેશમાં નોકરી અને સ્થાયી થવાના સપના જોતા યુવાનો સાથે વિઝાના નામે છેતરપિંડી આચરતી ટોળકીઓ સક્રિય છે, ત્યારે આવો જ એક બનાવ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સામે આવ્યો છે. લૉ ગાર્ડન નેશનલ હેન્ડલૂમ પાસે ટાઇમ્સ સ્ક્વેર બિલ્ડિંગમાં આવેલી “ફોર્ચ્યુન ઇન્ટરનેશનલ” નામની વિઝા કન્સલ્ટન્સી ચલાવતા આરોપી વૈભવ શિંદે સામે લાખો રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.
શાસ્ત્રીનગર, સરદાર પટેલનગર સ્થિત અનમોલ ટાવર પાસે રહેતા ૨૮ વર્ષીય કૃપાબહેન ગૌતમભાઈ જોશીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, એપ્રિલ ૨૦૨૪થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન આરોપી વૈભવ શિંદેએ તેમને લક્ઝમબર્ગ દેશના વર્ક વિઝા તથા વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ નોર્વે અને ઓસ્ટ્રિયા દેશના વર્ક વિઝા અને પરમિટનું વચન આપી કૃપાબહેન પાસેથી તબક્કાવાર કુલ ₹૫,૧૦,૦૦૦ પડાવ્યા હતા.
આ ઉપરાંત, આરોપીએ અમિતભાઈ હસમુખભાઈ દવે પાસેથી ₹૧,૫૦,૦૦૦ તેમજ અમીષાબેન વિપુલભાઈ પટેલ પાસેથી ₹૫,૬૫,૦૦૦ વિઝા પ્રોસેસિંગના નામે મેળવ્યા હતા. આમ, ત્રણેય અરજદારો પાસેથી કુલ ₹૧૨,૨૫,૦૦૦ પડાવી લીધા બાદ લાંબો સમય વીતવા છતાં કોઈને વિઝા કે વર્ક પરમિટ આપ્યા નહોતા અને નાણાં પણ પરત ન કરી વિશ્વાસઘાત આચર્યો હતો.
આખરે ભોગ બનનાર કૃપાબહેન જોશીએ તારીખ ૦૬/૧૦/૨૦૨૬ના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી વૈભવ શિંદે વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) શ્રી એ.સી. ઝાલા ચલાવી રહ્યા છે.
સમાચાર ક્રેડિટ: અમદાવાદ સીપીઓફિસ પ્રેસ નોટ




