હાજીપીર સુધી 32 કિમી RCC રોડનું કામ પૂર્ણ, બંધ ST બસ સેવા ફરી શરૂ કરવા સ્થાનિકોની માંગ
કચ્છના સોઢરાણા ગામ નજીક આવેલા કોમી એકતાના પ્રતીક સમાન હાજીપીર બાબાની દરગાહ સુધી દેશલપર-ગૂંથલીથી 32 કિલોમીટર લાંબા RCC રોડનું કામ પૂર્ણ થતાં સ્થાનિકો અને શ્રદ્ધાળુઓને મોટી રાહત મળી છે. છેલ્લા પાંચ વર્ષથી ખરાબ રસ્તાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે રસ્તો તૈયાર થતાં બંધ પડેલી ST બસ સેવા ફરી શરૂ કરવાની માંગ ઉઠી છે.

કચ્છ: કચ્છના સોઢરાણા ગામ નજીક આવેલી કોમી એકતાના પ્રતીક સમાન હાજીપીર બાબાની દરગાહ સુધી પહોંચવા માટે દેશલપર-ગૂંથલીથી 32 કિલોમીટર લાંબા RCC રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
છેલ્લા આશરે પાંચ વર્ષથી રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ હોવાના કારણે દરગાહે આવતા શ્રદ્ધાળુઓ, દર્શનાર્થીઓ તેમજ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીઓ પડતી હતી.
હવે 32 કિલોમીટરનો નવો RCC રોડ તૈયાર થતાં મુસાફરી વધુ સરળ બનશે અને રસ્તાની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો ઉકેલ આવ્યો છે. રોડનું કામ પૂર્ણ થતાં સ્થાનિકો અને દરગાહે આવતા શ્રદ્ધાળુઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
દરમિયાન, રસ્તો તૈયાર થઈ ગયો હોવાથી �અગાઉ બંધ કરવામાં આવેલી ST બસ સેવા પણ ફરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો અને દર્શનાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. ST બસ સેવા પુનઃ શરૂ થાય તો દરગાહે આવતા શ્રદ્ધાળુઓ ઉપરાંત આસપાસના ગામોના લોકોને પણ જાહેર પરિવહનની સુવિધાનો લાભ મળી શકે તેમ છે.




