અમદાવાદ: જૂની ₹૫ની નોટના બદલામાં ₹૭૫ લાખ આપવાની લાલચ આપી રામોલના વેપારી સાથે ₹૧ લાખથી વધુની છેતરપિંડી
ફેસબુક પર ટ્રેક્ટરવાળી જૂની ₹૫ની નોટ ખરીદવાની જાહેરાત જોઈ સંપર્ક કર્યો. રજિસ્ટ્રેશન અને ટ્રાન્સપોર્ટના બહાને ટુકડે-ટુકડે ઓનલાઇન નાણાં પડાવી લીધા.

અમદાવાદ:
સોશિયલ મીડિયા પર જૂની ચલણી નોટો અને સિક્કાના બદલામાં લાખો રૂપિયા આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીનો વધુ એક કિસ્સો અમદાવાદના રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં એક વેપારીએ જૂની પાંચ રૂપિયાની નોટના બદલામાં ₹૭૫ લાખ મેળવવાની લાલચમાં ₹૧ લાખથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, ન્યૂ વસ્ત્રાલ ખાતે રહેતા અને મહાદેવ એસ્ટેટમાં ‘એસ. કે. એન્જિનિયરિંગ વર્ક્સ’ નામે કારખાનું ધરાવતા કનુભાઇ મફતલાલ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગત ૧૮ સપ્ટેમ્બરના રોજ તેઓ કારખાને બેસી ફેસબુક પર રીલ્સ જોઈ રહ્યા હતા ત્યારે “જૂની સિક્કા કંપની અમદાવાદ ગુજરાત ચેતન પટેલ મજૂર પાટીદાર અમદાવાદ” નામની એક રીલ જોવા મળી હતી. આ રીલમાં જૂની ₹૫ની ટ્રેક્ટરવાળી નોટના બદલામાં ₹૭૫ લાખનું વળતર આપવાની જાહેરાત સાથે એક મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો.
કનુભાઇ પાસે આવી નોટ ઉપલબ્ધ હોવાથી તેમણે આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ફોન ઉપાડનાર શખ્સે પોતાની ઓળખ 'ચેતન પટેલ' તરીકે આપી વોટ્સએપ પર નોટનો ફોટો, સરનામું અને કનુભાઇનો ફોટો મંગાવ્યો હતો. ત્યારબાદ તેણે પ્રોસેસિંગ/રજિસ્ટ્રેશન પેટે ₹૭૨૦ ઓનલાઇન મંગાવ્યા હતા અને ખાતરી આપી હતી કે બે કલાકમાં તેમનો માણસ ઘરે આવી ₹૭૫ લાખ રોકડા આપી જશે.
બીજા દિવસે આરોપીએ ટ્રાન્સપોર્ટ ગાડીના બિલ પેટે વધુ ₹૭,૫૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારપછી ગાડી રસ્તામાં હોવાના અને રૂપિયા મોકલવાના અલગ-અલગ બહાના હેઠળ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹૧,૦૦,૨૧૯/- ઓનલાઇન પડાવી લીધા હતા. લાંબો સમય રાહ જોવા છતાં કોઈ રૂપિયા ન મળતાં છેતરાયાનો અહેસાસ થતાં કનુભાઈએ રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. રામોલ પોલીસે આ અંગે ગુનો નોંધી પી.આઈ. શ્રી એમ. આર. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે. (ક્રેડિટ.અમદાવાદ સીપી ઓફિસ પ્રેસ નોટ)




