ડભોઇ પાસે અસ્વચ્છતા જોઈ CM ભૂપેન્દ્ર પટેલે સ્થળ પરથી જ આપી સફાઈની સૂચના
સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે મા નર્મદાના નીરના વધામણા બાદ પરત ફરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નજર ડભોઇ નજીક જાહેર રસ્તા અને તળાવ આસપાસની અસ્વચ્છતા પર પડી હતી. મુખ્યમંત્રીએ સ્થળ પર જ સ્થિતિનું નિરીક્ષણ કરી તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

ડભોઇ: સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે મા નર્મદાના નીરના વધામણા બાદ પરત ફરી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નજર ડભોઇ નજીક જાહેર રસ્તા અને તળાવની આસપાસ જોવા મળેલી અસ્વચ્છતા તરફ ગઈ હતી.
મુખ્યમંત્રીએ સ્થળ પર જ સ્થિતિનું નિરીક્ષણ કરી જાહેર માર્ગ તથા તળાવની આસપાસ તાત્કાલિક સ્વચ્છતા કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની સૂચનાના પગલે સ્થળ પર સફાઈ કામગીરીનો તાત્કાલિક પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય, અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સ્વચ્છતા કામગીરીમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ સ્વચ્છતા માત્ર એક સરકારી કામગીરી ન રહે, પરંતુ જનસેવાનો સંકલ્પ બને તે દિશામાં સૌને કાર્ય કરવા માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ સ્થળ પર જ સમસ્યાની નોંધ લઈને તેના ઉકેલ માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને નાગરિકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી દ્વારા સ્થળ પર જ અસ્વચ્છતાની સ્થિતિ ઓળખી તાત્કાલિક કામગીરી માટે સૂચના આપવાની આ પહેલ દ્વારા જાહેર સ્થળોની સ્વચ્છતા પ્રત્યે તંત્રની જવાબદારી અને નાગરિક સહભાગિતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.




