મહેસાણા રેલ્વે મુસાફર માટે સારા સમાચાર: સાબરમતીથી મહેસાણા વાયા બેચરાજી રૂટ પર ૨ નવી MEMU ટ્રેનો દોડાવવા રેલવે મંત્રાલયની મંજૂરી
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદ સભ્ય મયંક નાયકની રજૂઆતને પગલે સાબરમતીથી મહેસાણા વચ્ચે વાયા બેચરાજી થઈને મુસાફરોની સુવિધા માટે બે નવી મેમૂ (MEMU) ટ્રેનો (ગાડી સં. 69127/69128 અને 69131/69132) દોડાવવાની સત્તાવાર મંજૂરી આપી છે.

અમદાવાદ/મહેસાણા અમદાવાદ મહેસાણા વચ્ચે વાયા બેચરાજી અવરજવર કરતા હજારો દૈનિક મુસાફરો, નોકરિયાતો અને વેપારીઓ માટે રેલવે તંત્ર તરફથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. મુસાફરોની સગવડતા વધારવા માટે રેલવે મંત્રાલય દ્વારા આ રૂટ પર નવી મેમૂ (MEMU) ટ્રેનો દોડાવવાની લીલી ઝંડી આપી દેવામાં આવી છે.રાજ્યસભા સાંસદ મયંક નાયકે પ્રજાકીય હિત અને જનસુવિધાને ધ્યાને રાખીને સાબરમતીથી મહેસાણા (વાયા બેચરાજી) રૂટ પર મેમૂ ટ્રેન શરૂ કરવા માટે રેલવે મંત્રાલયને પત્ર લખી રજૂઆત કરી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈ કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સત્તાવાર પત્ર દ્વારા મંજૂરીની પુષ્ટિ કરી છે. મંજૂર કરાયેલી ટ્રેનોની વિગતો:
ગાડી સં. 69127 / 69128: સાબરમતી – મહેસાણા MEMU
ગાડી સં. 69131 / 69132: સાબરમતી – મહેસાણા MEMU
આ ટ્રેનો શરૂ થવાથી પવિત્ર યાત્રાધામ બહુચરાજી (બેચરાજી) જતા શ્રદ્ધાળુઓ તેમજ આસપાસના ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારોમાંથી અમદાવાદ અને મહેસાણા અવરજવર કરતા લોકોને સસ્તી, સરળ અને ઝડપી મુસાફરીનો લાભ મળશે. ટ્રેનોના સંચાલન અંગેનો વિસ્તૃત સમયપત્રક રેલવે વિભાગ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.




