બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી: ૧૨ થી ૧૮ નવેમ્બર સમગ્ર ગુજરાતમાં 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે ઉજવાશે; ₹૧૫૦૦ કરોડના વિકાસલક્ષી લાભો અપાશે
ગુજરાત સરકાર દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આગામી ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી 'જનજાતિય ગૌરવ દિવસ' સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કાર્યક્રમોને આખરી ઓપ અપાયો છે. ૧૫ નવેમ્બરે છોટાઉદેપુરમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. સમગ્ર સપ્તાહ દરમિયાન ૧૪ આદિજાતિ જિલ્લાઓ સહિત રાજ્યભરમાં વિવિધ સાંસ્કૃતિક, રમતગમત અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે તેમજ ૩૨,૦૦૦થી વધુ લાભાર્થીઓને ₹૧,૫૦૦ કરોડના યોજનાકીય લાભોનું વિતરણ કરાશે.

ગાંધીનગર:
સ્વાતંત્ર્ય સેનાની અને જનજાતિય અસ્મિતાના પ્રતીક એવા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા તા. ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં એક સપ્તાહ સુધી 'જનજાતિય ગૌરવ દિવસ'ની વ્યાપક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ સપ્તાહવ્યાપી આયોજનોની સમીક્ષા કરી તેને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
છોટાઉદેપુરમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે
૧૫ નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીના મુખ્ય દિવસે છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના ભવ્ય સમારોહનું આયોજન થશે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના વલસાડ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમ યોજાશે.
સમગ્ર રાજ્યમાં વ્યાપક ઉજવણી
આ મહોત્સવ માત્ર આદિજાતિ વિસ્તારો પૂરતો સીમિત ન રહેતાં સમગ્ર ગુજરાતમાં લોકઉત્સવ બને તેવું આયોજન કરાયું છે:
રાજ્યના તમામ ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૫૫ વિધાનસભા ક્ષેત્રોમાં સ્થાનિક સ્તરે વિશેષ કાર્યક્રમો થશે.
રાજ્યના અન્ય ૨૦ બિન-આદિજાતિ જિલ્લાઓ તેમજ ૧૭ મહાનગરપાલિકા વિસ્તારોમાં પણ જનજાતિય ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.
વિવિધ વિભાગોના સંકલનથી બહુવિધ કાર્યક્રમો
આદિજાતિ સમાજના ગૌરવ, કલા અને કૌશલ્યને પ્રદર્શિત કરવા માટે વિવિધ સરકારી વિભાગોના સંકલનથી શ્રેણીબદ્ધ કાર્યક્રમો હાથ ધરાશે:
સામાજિક સશક્તિકરણ: મહિલા સંમેલનો અને યુવા સંવાદનું આયોજન કરી સમુદાયના વિકાસ અંગે મંથન થશે.
સાંસ્કૃતિક અને રમતગમત: આદિજાતિ પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજી સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરાશે.
જનભાગીદારી: ગ્રામ પંચાયત સ્તરે વિશેષ દિપોત્સવનું આયોજન કરી જનસામાન્યને ઉજવણી સાથે જોડવામાં આવશે.
₹૧૫૦૦ કરોડના વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ
આ ઉજવણીના ભાગરૂપે આદિજાતિ સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા ૩૨ હજારથી વધુ આદિજાતિ લાભાર્થીઓને અંદાજે ₹૧૫૦૦ કરોડના વિવિધ યોજનાકીય લાભો સીધા અર્પણ કરવામાં આવશે. આ મહાઅભિયાન દ્વારા આદિજાતિ સમુદાયોના કલા-કૌશલ્ય, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને દેશની આઝાદીની ચળવળમાં તેમના બલિદાન અને યોગદાનની ગૌરવગાથાને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે.




