Skip to content
...
...

ગુજરાત પોલીસ આવાસ અને કચેરીઓની મરામતમાં ભ્રષ્ટાચાર અટકાવવા DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકનો મોટો નિર્ણય: નવી 'SOP' જાહેર, કામના ક્વોટેશનને બદલે સીધી ગુણવત્તાયુક્ત સામગ્રી ખરીદાશે

​જૂની પદ્ધતિ રદ: વર્ષ ૨૦૨૫-૨૬ માં મરામતના ૮૬% કામો (રૂા. ૧૭.૪૮ કરોડ) "ત્રણ ક્વોટેશન"થી થયા હતા, જેમાં સમયનો વ્યય અને ગેરરીતિની ફરિયાદો ઉઠતી હતી. ​નવો નિયમ: હવે ‘કામના ક્વોટેશન’ મંગાવવાને બદલે ‘ચીજવસ્તુઓના ક્વોટેશન’ મંગાવી ગુણવત્તાયુક્ત સ્પેરપાર્ટ્સ-સામગ્રી કચેરી ખાતે અગાઉથી સ્ટોકમાં રખાશે. ​કડક મોનિટરિંગ: વર્ગ-૧ કે ૨ ના અધિકારીઓ દ્વારા દર મહિને અને કચેરી વડા દ્વારા દર ત્રિમાસિક ગાળે સ્ટોકની ભૌતિક ચકાસણી ફરજિયાત કરવામાં આવી. ​ત્વરિત નિરાકરણ: પ્લમ્બિંગ, વાયરિંગ કે લીકેજ જેવા પ્રશ્નોનું હવે તાત્કાલિક નિરાકરણ આવશે; ફરિયાદો અને નિકાલ માટે અલગ રજીસ્ટર રખાશે.

24 ઑક્ટોબર, 2026 05:55 PMShailesh Parmar
શેરWhatsAppFacebookTwitter
ગુજરાત પોલીસ આવાસ અને કચેરીઓની મરામતમાં ભ્રષ્ટાચાર અટકાવવા DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકનો મોટો નિર્ણય: નવી 'SOP' જાહેર, કામના ક્વોટેશનને બદલે સીધી ગુણવત્તાયુક્ત સામગ્રી ખરીદાશે
સ્રોત / ક્રેડિટ: અખિલ ગુજરાત

ગાંધીનગર:

ગુજરાત પોલીસ વિભાગના રહેણાંક મકાનો અને બિન-રહેણાંક કચેરી પરિસરના ચાલુ તથા ખાસ મરામત કાર્યોમાં પારદર્શિતા લાવવા અને ઝડપી નિરાકરણ લાવવા રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) લાગુ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાથી વર્ષો જૂની પદ્ધતિમાં થતી ગેરરીતિ અને ભ્રષ્ટાચારની શક્યતાઓ સંપૂર્ણપણે નાબૂદ થશે.

​૮૬% કામો ત્રણ ક્વોટેશનથી થતાં હતાં: જૂની પદ્ધતિની સમીક્ષા

​નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ના ડેટાની સમીક્ષા દરમિયાન ધ્યાને આવ્યું હતું કે, ચાલુ મરામત ગ્રાન્ટ અંતર્ગત થયેલા કુલ ૪,૭૮૯ કાર્યો (અંદાજે રૂા. ૧૯ કરોડ) પૈકી ૪,૧૧૯ કામો (રૂા. ૧૭.૪૮ કરોડ એટલે કે ૮૬% કાર્યો) માત્ર "ત્રણ ક્વોટેશન" મેળવીને સંપન્ન કરવામાં આવ્યા હતા. આ પદ્ધતિમાં મંજૂરી મેળવવામાં લાંબો સમય લાગતો હતો, વહીવટી મુશ્કેલીઓ સર્જાતી હતી અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થતા હતા.

​નવી SOP ની મુખ્ય જોગવાઈઓ

​ચીજવસ્તુઓની સીધી ખરીદી અને સ્ટોક: હવેથી "કામોના ક્વોટેશન" મંગાવવાને બદલે સિવિલ, ઇલેક્ટ્રિક અને પ્લમ્બિંગ જેવી "ચીજવસ્તુઓના ક્વોટેશન" મંગાવીને અધિકૃત ડીલર પાસેથી ગુણવત્તાયુક્ત માલસામાન ખરીદી હેડક્વાર્ટર કે કચેરી ખાતે પૂરતા જથ્થામાં સ્ટોક કરવાનો રહેશે.

​સ્ટોક અને ઇશ્યુ રજીસ્ટર: ક્લોથિંગ આર્ટિકલ્સની જેમ તમામ ખરીદાયેલા સામાનનું નિર્ધારિત ફોર્મેટમાં સ્ટોક અને ઇશ્યુ રજીસ્ટર નિભાવવું પડશે.

​અધિકારીઓ દ્વારા ભૌતિક ચકાસણી:

​દર મહિનાની ૫ તારીખ સુધીમાં વર્ગ-૧ અથવા વર્ગ-૨ ના અધિકારીએ સામાનની ભૌતિક ચકાસણી કરી પ્રમાણપત્ર આપવું પડશે.

​કચેરીના વડાએ દર ત્રણ મહિને (જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરની ૧૦મી તારીખ સુધીમાં) જાતે સ્ટોકની ચકાસણી કરવાની રહેશે.

​દૈનિક વેતનથી કામગીરી: શ્રમ અને રોજગાર વિભાગના નિર્ધારિત દૈનિક વેતન મુજબ અર્ધ-કુશળ શ્રમિકોને બોલાવીને તાત્કાલિક રીપેરીંગ કાર્ય કરાવવાનું રહેશે.

​મોટા કામો માટે પૂર્વ મંજૂરી: જો કોઈ મોટું કાર્ય માત્ર સામાન ખરીદવાથી શક્ય ન બને અને ક્વોટેશન લેવાની જરૂર પડે, તો CP અથવા રેન્જ વડા જેવા સક્ષમ અધિકારીની લેખિત પૂર્વ મંજૂરી લેવી પડશે. રૂા. ૫૦ હજારથી વધુના કામોને ‘ખાસ મરામત’ ગણી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમના કાર્યપાલક ઇજનેરના પરામર્શમાં રાખી દરખાસ્ત મોકલવાની રહેશે.

​ફરિયાદ નિવારણ રજીસ્ટર: આવાસો અને કચેરીઓની મરામત અંગે પ્રાપ્ત થતી ફરિયાદો અને તેના નિકાલની તારીખ નોંધવા માટે અલગ રજીસ્ટર રાખવામાં આવશે.

​પોલીસ પરિવારો અને તંત્રને થનારા ફાયદા

​આ નવી વ્યવસ્થાથી પોલીસ લાઈન કે કચેરીઓમાં નળ ટપકવો, વાયરિંગ ફેલ થવું, લાઈટ-પંખા બંધ થવા કે પાઈપલાઈન લીકેજ જેવા રોજિંદા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવી શકશે. સાથોસાથ ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી સ્પર્ધાત્મક દરે સારી કંપનીનો સામાન ખરીદાશે, જેનાથી કામની ગુણવત્તા સુધરશે અને વારંવાર રીપેરીંગની જરૂર નહીં રહે. ઉચ્ચ અધિકારીઓની નિયમિત ચકાસણીથી સરકારી નાણાંનો સદ્ઉપયોગ થશે અને પોલીસ આવાસોની જાળવણીમાં ઝડપ અને ચોકસાઈ આવશે

શેરWhatsAppFacebookTwitter

સંબંધિત સમાચાર

ગુજરાત•ગાંધીનગર•9 નવેમ્બર, 2026

‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ: અમદાવાદના સરસ મેળામાં સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોની સ્વદેશી ચીજવસ્તુઓને મળ્યું વિશેષ બજાર

દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલા સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક પહેલથી નાના વેપારીઓ અને કારીગરોને રોજગારી તથા આર્થિક સશક્તિકરણની નવી તકો મળી રહી છે.ખાદી અને પોલિ-વસ્ત્રો પર વિશેષ રિબેટ જેવી યોજનાઓથી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.

ગુજરાત•અમદાવાદ•8 નવેમ્બર, 2026

2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાકીદ

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ આધુનિકીકરણ, સરહદી અને દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ, આતંકવાદ નિયંત્રણ, આર્થિક અપરાધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આંતરરાજ્ય સહયોગ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરી રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.