Skip to content
...
...

ગુજરાતમાં ઓછો વરસાદ ધરાવતા ૪ જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો અને પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય

​દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર (સંપૂર્ણ ૪ જિલ્લા). ​ખેડૂત પાક નુકસાની સહાય: SDRFના ધોરણો મુજબ અસરગ્રસ્ત પાકો માટે પ્રતિ હેક્ટર ₹૮,૫૦૦ સહાય (મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં). ​પશુપાલકો માટે રાહત: પશુ કેમ્પના પશુઓ માટે પ્રતિ પશુ રોજના ₹૮૦ સહાય (શરૂઆતના ૨ મહિના SDRFમાંથી અને ત્યારબાદ રાજ્ય સરકાર ખર્ચ ઉઠાવશે). ​ઘાસચારા વ્યવસ્થા: અત્યાર સુધીમાં ૧.૨૧ કરોડ કિલો ઘાસનું કિલો દીઠ ₹૨ના રાહતદરે વિતરણ થયું; ૩ કરોડ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ અને વધારાની ખરીદી ચાલુ. ​રોજગારી સહાય: ગ્રામીણ વિસ્તારોમાં વી.બી.જી. રામ જી. યોજના અન્વયે ૧૫૦ માનવદિન રોજગારી અપાશે. ​અમલીકરણ તારીખ: તમામ નિર્ણયોનો અમલ તા. ૧ નવેમ્બર, ૨૦૨૬થી શરૂ થશે. ​સિંચાઈ અને પીવાનું પાણી: રવિ સિઝન માટે ૭૬ ડેમોમાંથી ૧થી ૪ પાણ અપાશે; તા. ૩૦/૦૬/૨૦૨૭ સુધી પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યું.

26 ઑક્ટોબર, 2026 06:20 PMShailesh Parmar
શેરWhatsAppFacebookTwitter
ગુજરાતમાં ઓછો વરસાદ ધરાવતા ૪ જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો અને પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય
સ્રોત / ક્રેડિટ: અખિલ ગુજરાત

​ગાંધીનગર:

રાજ્યમાં ઓછો અને વિલંબિત વરસાદ ધરાવતા ૪ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો રાજ્ય સરકારે ખેડૂતો અને પશુપાલકોના હિતમાં સંવેદનશીલ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પ્રચાર માધ્યમો સમક્ષ આ જાહેરાત કરી હતી. ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-૨૦૧૬ અનુસાર જરૂરી પ્રક્રિયાઓ અને ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ આ નિર્ણય લેવાયો છે.

​મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે સરેરાશ ૮૯ ટકા જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદની ભારે ઘટ જોવા મળી છે. આ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકોની પડખે ઊભા રહેવા માટે રાજ્ય સરકારે આગોતરા આયોજન સાથે ઉદાર સહાયના નિર્ણયો કર્યા છે. આ તમામ નિર્ણયોનો અમલ આગામી તા. ૦૧/૧૧/૨૦૨૬થી શરૂ કરવામાં આવશે.

​પાક નુકસાની સામે હેક્ટર દીઠ ₹૮,૫૦૦ની સહાય

દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા આ ચારેય જિલ્લાઓના ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ) ના ધોરણો મુજબ સહાય આપવામાં આવશે. જેમાં ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹૮,૫૦૦ લેખે મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં પાક નુકસાની સહાય ચૂકવવામાં આવશે.

​પશુ દીઠ દૈનિક ₹૮૦ સહાય અને રાહતદરે ઘાસ વિતરણ

પશુપાલકો માટે વિશેષ વ્યવસ્થા અંતર્ગત દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પશુ કેમ્પના પશુઓ માટે પશુ દીઠ રોજના ₹૮૦ લેખે સહાય પ્રથમ બે મહિના માટે SDRFમાંથી અપાશે અને ત્યારબાદનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. વિલંબિત વરસાદને કારણે સરકારે જૂન-જુલાઈ ૨૦૨૬થી જ જિલ્લા કલેક્ટરોને અધિકૃત કરી ₹૨ પ્રતિ કિલોના રાહતદરે ઘાસ વિતરણ શરૂ કરાવી દીધું હતું. અત્યાર સુધીમાં ૧.૨૧ કરોડ કિલોગ્રામ ઘાસનું વિતરણ થઈ ચૂક્યું છે, જ્યારે સરકાર પાસે હાલ ૩ કરોડ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ છે અને વધુ ખરીદીની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે.

​૧૫૦ માનવદિન રોજગારીનું આયોજન

અસરગ્રસ્ત તાલુકાઓના ગ્રામીણ પરિવારોને સ્થાનિક સ્તરે આજીવિકા મળી રહે તે માટે વી.બી.જી. રામ જી. યોજના અંતર્ગત ૧૫૦ માનવદિન રોજગારી પૂરી પાડવાનો નિર્ણય લેવાયો છે.

​સિંચાઈ માટે ડેમોમાંથી પાણી અને પીવાના પાણીનું રિઝર્વેશન

રાજ્યમાં મુખ્ય ૨૦૬ ડેમોમાં હાલ ૬૬ ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે. રવિ સિઝન દરમિયાન ખેડૂતોને મદદરૂપ થવા ૭૬ ડેમોના કમાન્ડ વિસ્તારમાં ઉપલબ્ધતા મુજબ ૧થી ૪ પાણ સિંચાઈ માટે આપવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૧, મધ્ય ગુજરાતના ૧૨, દક્ષિણ ગુજરાતના ૯, સૌરાષ્ટ્ર વિસ્તારના ૩૯ અને કચ્છના ૫ ડેમોનો સમાવેશ થાય છે. આ સાથે જ નાગરિકોની જરૂરિયાતને ધ્યાને રાખીને તા. ૩૦/૦૬/૨૦૨૭ સુધી પીવાનું પાણી સંપૂર્ણ અનામત રાખવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે

શેરWhatsAppFacebookTwitter

સંબંધિત સમાચાર

ગુજરાત•ગાંધીનગર•9 નવેમ્બર, 2026

‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ: અમદાવાદના સરસ મેળામાં સ્થાનિક કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોની સ્વદેશી ચીજવસ્તુઓને મળ્યું વિશેષ બજાર

દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદમાં યોજાયેલા સરસ મેળામાં મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી ચીજવસ્તુઓને વિશેષ બજાર મળી રહ્યું છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક પહેલથી નાના વેપારીઓ અને કારીગરોને રોજગારી તથા આર્થિક સશક્તિકરણની નવી તકો મળી રહી છે.ખાદી અને પોલિ-વસ્ત્રો પર વિશેષ રિબેટ જેવી યોજનાઓથી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે.

ગુજરાત•અમદાવાદ•8 નવેમ્બર, 2026

2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાકીદ

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યની કાયદો-વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2029 સુધીમાં નશામુક્ત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી પગલાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ આધુનિકીકરણ, સરહદી અને દરિયાઈ સુરક્ષા, સાયબર ક્રાઇમ, આતંકવાદ નિયંત્રણ, આર્થિક અપરાધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આંતરરાજ્ય સહયોગ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરી રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.