લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી: ૨૯૮ ટીમોના દરોડામાં ૩૮ શંકાસ્પદ બોગસ ડોક્ટર ઝડપાયા
સંયુક્ત ઓપરેશન: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ૨૯૮ ટીમો દ્વારા ૧૫ દિવસ સઘન તપાસ હાથ ધરાઈ. કાર્યવાહી: કુલ ૩૮ શંકાસ્પદ બોગસ તબીબો ઝડપાયા, જેમાંથી ૩૫ વિરુદ્ધ કાયદેસર ગુનો (FIR) દાખલ કરવામાં આવ્યો. જિલ્લાવાર વિગત: રાજકોટમાં સૌથી વધુ ૧૭, સુરતમાં ૦૯, ગીર સોમનાથમાં ૦૩, સુરેન્દ્રનગરમાં ૦૨ અને અન્ય વિસ્તારોમાં ૦૪ અનધિકૃત તબીબો સામે ફરિયાદ નોંધાઈ. ફરાર તત્વો પર નજર: દરોડાના ડરે ક્લિનિક બંધ કરી ભાગી ગયેલા તત્વો સામે પોલીસ સર્વેલન્સ જારી; તહેવારો બાદ પણ ઝુંબેશ ચાલુ રહેશે. જનજાગૃતિ અપીલ: માત્ર માન્ય ડિગ્રી (MBBS, આયુર્વેદ, હોમિયોપેથી) ધરાવતા રજિસ્ટર્ડ તબીબો પાસે જ સારવાર કરાવવી; શંકાસ્પદ પ્રેક્ટિસની જાણ તુરંત પોલીસ અથવા PHC/CHCને કરવી.

લેભાગુ ડોક્ટરો સામે આરોગ્ય વિભાગની લાલ આંખ: ૧૫ દિવસની મેગા ડ્રાઈવમાં ૩૫ અનધિકૃત ડોક્ટરો સામે ગુનો દાખલ
ગાંધીનગર:
ગુજરાતમાં સામાન્ય નાગરિકોના આરોગ્ય અને જીવન સાથે ચેડાં કરતા ડિગ્રી વગરના લેભાગુ અને બોગસ ડોક્ટરો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ અને આરોગ્ય કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ છેલ્લા ૧૫ દિવસથી સમગ્ર રાજ્યમાં એક વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન આરોગ્ય અને પોલીસ તંત્રના સંયુક્ત દરોડામાં કુલ ૩૮ શંકાસ્પદ તબીબો પૈકી ૩૫ અનધિકૃત ડોક્ટરો સામે કાયદેસરની એફ.આઈ.આર. (FIR) નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
આ મેગા ડ્રાઇવની વિગતો આપતાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં તાલુકા અને જિલ્લા સ્તરે સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને આરોગ્ય વિભાગને સાંકળીને કુલ ૨૯૮ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ ૧૫ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી અંતર્ગત રાજકોટમાં સૌથી વધુ ૧૭, સુરતમાં ૦૯, ગીર સોમનાથમાં ૦૩, સુરેન્દ્રનગરમાં ૦૨ તેમજ અન્ય વિસ્તારોમાં ૧-૧ મળી કુલ ૩૫ બોગસ ડોક્ટરો સામે કાયદાકીય સકંજો કસાયો છે.
રાજ્ય સરકારના અગાઉના ઠરાવ મુજબ તાલુકા સ્તરે એક ખાસ મોનિટરિંગ કમિટી કાર્યરત છે, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર (THO), મેડિકલ હેલ્થ ઓફિસર, સંબંધિત વિસ્તારના PSI, હેડ કોન્સ્ટેબલ, મલ્ટીપર્પસ હેલ્થ સુપરવાઇઝર, સિનિયર ક્લાર્ક તેમજ સ્થાનિક તલાટી-કમ-મંત્રીનો સમાવેશ થાય છે. આ કમિટી બાતમીદારોના નેટવર્ક દ્વારા સક્રિય રહીને દરોડાની કાર્યવાહી સુનિશ્ચિત કરે છે.તપાસ દરમિયાન કેટલાક તત્વો અગાઉથી જ પોતાના ક્લિનિક અને દવાખાનાં બંધ કરીને ફરાર થઈ ગયા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. જોકે, આવા તત્વો સામે આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા વિશેષ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, આગામી તહેવારોના દિવસો બાદ પણ આ ઝુંબેશ વધુ આક્રમક રીતે ચાલુ રહેશે અને રાજ્યના કોઈપણ ખૂણે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ચલાવી લેવાશે નહીં.
અંતમાં મંત્રીશ્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે સરકારી હોસ્પિટલો, CHC અને PHC કેન્દ્રો ખાતે ઉત્તમ અને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ છે. જો ખાનગી દવાખાનામાં જવું હોય તો પણ માત્ર MBBS, આયુર્વેદ, હોમિયોપેથી કે સરકાર માન્ય ડિગ્રી ધરાવતા અધિકૃત તબીબો પાસે જ સારવાર લેવી હિતાવહ છે. અણઘડ અને બોગસ તત્વો પાસે સારવાર કરાવવાથી જીવનું જોખમ ઊભું થઈ શકે છે. જો કોઈ વિસ્તારમાં ગેરકાયદે પ્રેક્ટિસ ચાલતી જણાય તો તુરંત જ સ્થાનિક પોલીસ અથવા આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે.




