સર્વાઇકલ કેન્સર સામે ગુજરાતની મોટી સિદ્ધિ: 9.30 લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ પૂર્ણ, કેન્દ્ર દ્વારા વધુ 2.92 લાખ ડોઝ ફાળવાયા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ પૂરું પાડવાના હેતુથી હાથ ધરાયેલા HPV રસીકરણ અભિયાનમાં નોંધપાત્ર કામગીરી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.30 લાખથી વધુ કિશોરીઓનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામગીરીને વધુ વેગ આપવા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વધારાના 2.92 લાખ HPV રસીના ડોઝ ફાળવવામાં આવ્યા છે. રસીકરણ અભિયાનની મુદત 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવી છે.

HPV એટલે કે હ્યુમન પેપિલોમાવાયરસ સામે રક્ષણ આપતી રસી મહિલાઓમાં થતા સર્વાઇકલ કેન્સરના જોખમને ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વાયરસના કેટલાક પ્રકારો ગર્ભાશયના મુખના કેન્સર માટે જવાબદાર હોય છે. કિશોરાવસ્થામાં યોગ્ય સમયે રસીકરણ કરાવવાથી ભવિષ્યમાં આ પ્રકારના કેન્સર સામે રક્ષણ મેળવવામાં મદદ મળે છે.
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાન અંતર્ગત 14 વર્ષની વય પૂર્ણ કરેલી પાત્ર કિશોરીઓને સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે એક ડોઝ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ રસીકરણ સ્વૈચ્છિક છે અને રસી આપતાં પહેલાં માતા-પિતા અથવા વાલીની સંમતિ જરૂરી છે.
સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે વિનામૂલ્યે રસીકરણની સુવિધા
રાજ્યની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ, જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC) તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ખાતે પાત્ર કિશોરીઓ માટે રસીકરણની સુવિધા ઉપલબ્ધ છે.
રસીકરણની કામગીરી તાલીમબદ્ધ તબીબી અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. રસીકરણ બાદ કોઈ પ્રતિકૂળ અસર જણાય તો તેની યોગ્ય સારવાર અને વ્યવસ્થાપન માટે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.: વાલીઓને અપીલ વાલીઓએ પોતાની 14 વર્ષની પાત્ર દીકરીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી HPV રસીકરણ અંગે માહિતી મેળવવી જોઈએ અને જરૂરી સંમતિ સાથે આ અભિયાનનો લાભ લેવો જોઈએ.
સર્વાઇકલ કેન્સર સામે જાગૃતિ, સમયસર રસીકરણ અને નિયમિત આરોગ્ય તપાસ દ્વારા મહિલાઓના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ પગલું ભરી શકાય છે.
સમાચાર સૌજન્ય: ગુજરાત સરકાર, માહિતી વિભાગ
અહેવાલ: શૈલેષભાઈ જે. પરમાર
તંત્રી – અખિલ ગુજરાત (દૈનિક સમાચાર)




